1. લેખ
  2. તાપમાન અને ‘feels like’ માં શું ફરક છે?

તાપમાન અને ‘feels like’ માં શું ફરક છે?

થર્મોમીટરનું તાપમાન અને શરીરને અનુભવાતું તાપમાન કેમ અલગ હોય છે.

આગાહીમાં બે આંકડા દેખાય છે: તાપમાન 36°C, અને નીચે નાના અક્ષરે “feels like 42°C”. બંને સાચા છે. પહેલો આંકડો હવા કેટલી ગરમ છે તે બતાવે છે, બીજો આંકડો તમારા શરીરને તે હવા કેટલી ગરમ લાગશે તે બતાવે છે.

સત્તાવાર તાપમાન ખુલ્લા તડકામાં નહીં, પણ છાંયડામાં માપવામાં આવે છે. હવામાન કેન્દ્રોમાં થર્મોમીટર જમીનથી થોડી ઊંચાઈએ, હવા આવજા કરી શકે એવા સફેદ બોક્સમાં રાખેલું હોય છે, જેથી સીધો તડકો કે ગરમ જમીન માપને અસર ન કરે.

એટલે જ્યારે સમાચારમાં કહેવાય કે અમદાવાદમાં 44°C તાપમાન નોંધાયું, ત્યારે તે છાંયડાનું હવાનું તાપમાન છે. બપોરે ડામરના રસ્તા પર ઊભા રહો તો ગરમી તેનાથી ઘણી વધારે લાગે.

શરીરને તાપમાન અલગ કેમ લાગે છે

આપણું શરીર થર્મોમીટર નથી. શરીરને કેટલી ગરમી કે ઠંડી લાગે તે ત્રણ મુખ્ય બાબતો પર આધાર રાખે છે.

1. ભેજ: ગરમીમાં શરીર પરસેવાથી ઠંડું થાય છે. હવામાં ભેજ વધારે હોય તો પરસેવો ઊડતો નથી અને શરીર ઠંડું થતું નથી. એટલે ભેજવાળી ગરમી વધારે અકળાવે છે. વિગતે સમજવા વાંચો ભેજ એટલે શું.

2. પવન: પવન ચામડી પરથી ગરમી અને પરસેવો દૂર કરે છે, એટલે સામાન્ય ગરમીમાં પવન રાહત આપે છે. શિયાળામાં એ જ પવન ઠંડી વધારે લગાડે છે. ઠંડા પવન સાથેનો 10°C, શાંત હવાના 10°C કરતાં વધારે ઠંડો લાગે.

3. તડકો: સીધા તડકામાં ઊભા રહો તો શરીર પર સૂર્યની ગરમી સીધી પડે છે. મોટા ભાગની “feels like” ગણતરી છાંયડા માટે હોય છે, એટલે ખુલ્લા તડકામાં ગરમી તેનાથી પણ વધારે લાગી શકે.

“Feels like” આંક આ બાબતોને ગણતરીમાં લઈને બને છે. ગરમીમાં તે મુખ્યત્વે તાપમાન અને ભેજ પરથી ગણાય છે (જેને heat index કહે છે), અને ઠંડીમાં તાપમાન અને પવન પરથી (જેને wind chill કહે છે).

ગુજરાતનાં ઉદાહરણ

સુરત અને દક્ષિણ ગુજરાત: જૂનની શરૂઆતમાં કે ચોમાસામાં વરસાદ અટકે ત્યારે સુરત માં તાપમાન 34 થી 36°C હોય, પણ ભેજ ઘણો વધારે હોવાથી “feels like” 40°C થી ઉપર જઈ શકે. પંખા નીચે બેઠા હોઈએ તો પણ પરસેવો થાય એવો ઉકળાટ આ જ છે.

અમદાવાદની સૂકી ગરમી: મે મહિનામાં અમદાવાદ માં 44°C હોય ત્યારે ભેજ ઓછો હોય છે. ત્યારે “feels like” આંક તાપમાનની નજીક જ રહી શકે. પણ તેનો અર્થ એ નથી કે ગરમી ઓછી જોખમી છે. આવી સૂકી ગરમીમાં શરીરમાંથી પાણી ઝડપથી ઓછું થાય છે અને લૂ લાગવાનું જોખમ રહે છે.

કચ્છનો શિયાળો: ડિસેમ્બર જાન્યુઆરીમાં કચ્છમાં ઉત્તર તરફથી ઠંડો પવન ફૂંકાય ત્યારે સવારે ઠંડી થર્મોમીટરના આંક કરતાં વધારે લાગે છે.

હીટવેવ અને “feels like” અલગ છે

IMD હીટવેવ જાહેર કરે ત્યારે તે સત્તાવાર, માપેલા મહત્તમ તાપમાનના આધારે કરે છે, “feels like” ના આધારે નહીં. મેદાની વિસ્તાર માટે IMDનો માપદંડ છે: મહત્તમ તાપમાન 40°C કે વધુ હોય અને સામાન્ય કરતાં 4.5°C કે વધુ ઊંચું હોય, અથવા મહત્તમ તાપમાન 45°C કે વધુ હોય. એટલે “feels like” 45°C બતાવે, તો પણ તેનો અર્થ એ નથી કે હીટવેવ જાહેર થયો છે.

કયો આંક ક્યારે જોવો

  • કપડાં અને બહાર જવાનું આયોજન: “feels like” વધારે ઉપયોગી છે, કારણ કે તે તમારા શરીરનો અનુભવ બતાવે છે.
  • સત્તાવાર ચેતવણી અને સરખામણી: થર્મોમીટરનું તાપમાન જુઓ. સમાચાર, IMD અને જૂના રેકોર્ડ આ જ આંક વાપરે છે.
  • ભેજવાળા ગરમ દિવસે “feels like” 40°C ઉપર હોય ત્યારે ભારે શારીરિક કામ વચ્ચે છાંયડામાં આરામ લો, અને તરસ ન લાગે તો પણ થોડી થોડી વારે પાણી પીતા રહો.